અમદાવાદના સરખેજ-સાણંદ હાઈવે પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક ટ્રક ચાલક મોતને મ્હાત આપીને હેમખેમ બહાર આવ્યો છે. ટ્રક અને અન્ય વાહન વચ્ચે થયેલી ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેમાં ડ્રાઈવર ખરાબ રીતે ફસાઈ ગયો હતો.


ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટ્રકની કેબિન પતરાની જેમ દબાઈ ગઈ હોવાથી ડ્રાઈવરને બહાર કાઢવો અત્યંત મુશ્કેલ હતો. ફાયરના જવાનોએ સમય સૂચકતા વાપરીને અત્યાધુનિક હાઈડ્રોલિક કટર મશીનનો ઉપયોગ કર્યો હતો. લોખંડની મજબૂત કેબિનને કટર વડે કાપીને અંદર ફસાયેલા ડ્રાઈવરને અંદાજે એક કલાકની જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન રસ્તા પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ઈજાગ્રસ્ત ચાલક હોસ્પિટલમાં દાખલ

રેસ્ક્યુ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે ડ્રાઈવરને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે થયેલા આ અકસ્માતને કારણે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી, જોકે પોલીસ કાફલાએ પહોંચીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.


આ પણ વાંચો - Ahmedabad News: બાર કાઉન્સિલની ચૂંટણીની આજે મતગણતરી નહીં થાય, 12 જેટલા વકીલો સામે ચૂંટણી કમિશનરની અરજી


  • Follow us on: