અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલની મુશ્કેલીઓમાં હવે વધારો થયો છે. સુપ્રીમ કોર્ટ (SC) ના આદેશ બાદ અમદાવાદની સેશન્સ કોર્ટમાં આ કેસની નિયમિત સુનાવણીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સર્વોચ્ચ અદાલતના કડક નિર્દેશને પગલે, તથ્ય પટેલ વિરુદ્ધ ચાર્જફ્રેમ (તહોમતનામું) કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.
તથ્ય પટેલની ઉંઘ હરામ
હવે સેશન્સ કોર્ટમાં કેસની ટ્રાયલ (સુનાવણી) હાથ ધરવામાં આવશે, જેમાં મહત્ત્વના સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. આ સુનાવણી દરમિયાન, મૃતક નવ લોકોના પીડિત પરિવારજનો પણ કોર્ટ સમક્ષ પોતાનો જવાબ રજૂ કરશે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તપાસ અધિકારી તમામ નક્કર પુરાવાઓ સાથે કોર્ટમાં હાજર રહેશે. સુપ્રીમ કોર્ટના આ હસ્તક્ષેપથી પીડિત પરિવારોને ઝડપી અને સમયસર ન્યાય મળવાની આશા બંધાઈ છે.













