અમદાવાદ શહેરમાં આગામી વિવિધ કાર્યક્રમો અને ઉત્સવોની ઉજવણીને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા સુરક્ષાના ધોરણો અંગે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. હાલમાં ટેમ્પરરી ફાયર NOC (No Objection Certificate) મેળવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ પાસે માત્ર 7 અરજીઓ આવી છે. જોકે, આશ્ચર્યજનક બાબત એ છે કે હજુ સુધી આ 7 પૈકી એક પણ અરજીને વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, દરેક સ્થળનું પ્રત્યક્ષ નિરીક્ષણ અને સેફ્ટીના સાધનોની ચકાસણી કર્યા બાદ જ NOC આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ફાયર સેફ્ટીમાં નો કોમ્પ્રોમાઈઝ
નિયમો મુજબ, કોઈપણ જાહેર કાર્યક્રમ કે આયોજન માટે ફાયર NOC હોવું અનિવાર્ય છે. એકવાર ફાયર વિભાગ દ્વારા સુરક્ષાના માપદંડો સંતોષકારક જણાય અને NOC આપવામાં આવે, ત્યારબાદ જ પોલીસ વિભાગ દ્વારા જે-તે આયોજન માટે આખરી પરવાનગી આપવામાં આવે છે. આ કડક પ્રક્રિયાને કારણે આયોજકોમાં દોડધામ મચી ગઈ છે. તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય ભીડવાળી જગ્યાઓ પર આગ જેવી દુર્ઘટનાઓને અટકાવવાનો અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. ઇન્સ્પેક્શનની કામગીરી પૂર્ણ થયા બાદ જ આગામી બે દિવસમાં મંજૂરી અંગેનો અંતિમ નિર્ણય લેવાશે.













