અમદાવાદના ભરચક ગણાતા પાલડી વિસ્તારમાં ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતી એક ઘટના સામે આવી છે. ટ્રાફિકમાં વાહન ચલાવવા જેવી નજીવી બાબતે એક ટેક્સીચાલકે બેફામ બનીને ટુ-વ્હીલર ચાલકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.


ટ્રાફિકમાં નજીવી બાબત પર છરી બતાવી ધમકી આપી

પાલડીના જાહેર માર્ગ પર એક ટુ-વ્હીલર ચાલક અને ટેક્સીચાલક વચ્ચે વાહન ચલાવવા બાબતે બોલાચાલી થઈ હતી. સામાન્ય તકરારમાં ઉશ્કેરાયેલા ટેક્સીચાલકે પોતાની ગાડીમાંથી અચાનક છરી કાઢી હતી અને જાહેર રસ્તા પર લોકોની હાજરીમાં જ યુવકને ધમકાવવાનું શરૂ કર્યું હતું. કાયદાનો જરા પણ ડર ન હોય તેમ ટેક્સીચાલકે દાદાગીરી કરતા યુવકને કહ્યું હતું કે, "તું લાલ દરવાજા આવી જા, ત્યાં તારું મર્ડર કરી નાખીશ."

એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ધોળા દિવસે જાહેર રોડ પર છરી બતાવી મર્ડરની ધમકી અપાતા આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાની ચર્ચા છે. ભોગ બનનાર યુવકે હિંમત દાખવી એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ટેક્સીચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ઉદ્ધત ટેક્સીચાલકની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદના રસ્તાઓ પર રોડ-રેજ અને વધતી ગુંડાગીરીના પ્રશ્નો ઊભા કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: