અમદાવાદ શહેરના મેમ્કો વિસ્તારમાં મિલકતના વિવાદમાં એક પારિવારિક ઝઘડાએ હિંસક વળાંક લેતા પથ્થરમારાની ઘટના બની છે. દેરાણી અને જેઠાણી વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના મિલકત વિવાદને કારણે બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી બાદ પથ્થરમારો શરૂ થયો હતો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મેમ્કો વિસ્તારમાં રહેતા આ પરિવારમાં મિલકતની વહેંચણી મુદ્દે દેરાણી અને જેઠાણી વચ્ચે અણબનાવ ચાલતો હતો.


દેરાણી-જેઠાણી વચ્ચે ચાલતો હતો મિલકતનો ઝઘડો

આજે આ મુદ્દે ફરી તકરાર થઈ હતી જે જોતજોતામાં વકરી ગઈ હતી. બંને પક્ષના સભ્યો દ્વારા એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ કૃષ્ણનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમયસૂચકતા વાપરી મામલો થાળે પાડ્યો હતો અને પથ્થરમારો કરી રહેલા ટોળાને વિખેર્યું હતું.

પથ્થર મારાની ઘટનામાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત

હાલમાં વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે પરંતુ તણાવ યથાવત છે. કૃષ્ણનગર પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને પથ્થરમારામાં સામેલ લોકોની ધરપકડ કરવા માટે તપાસ શરૂ કરી છે. પારિવારિક વિવાદમાં આ પ્રકારે જાહેર રોડ પર પથ્થરમારો થવાની ઘટનાએ સમગ્ર મેમ્કો વિસ્તારમાં ચર્ચા જગાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: