દાંતાના પાલડિયા ગામમાં વન વિભાગની જમીનને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં આજે (13 ડિસેમ્બર) બપોર બાદ પરિસ્થિતિ અચાનક તંગ બની ગઈ હતી. સ્થાનિકોના ઉશ્કેરાયેલા ટોળાએ વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ પર ભીષણ પથ્થરમારો અને તીર-કામઠાથી હુમલો કર્યો. આ ઘટનામાં કુલ 47 અધિકારી અને કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.


અચાનક જ 500 લોકોનું ટોળુ ધસી આવ્યું હતું

માહિતી અનુસાર, પાડલીયા ગામમાં વન વિભાગની જગ્યામાં ફોરેસ્ટ વિભાગ, રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગ ટ્રી પ્લાન્ટેશન કરી રહી હતી ત્યારે અચાનક જ 500 લોકોનું ટોળુ ધસી આવ્યું હતું અને તીર કામઠા તથા ગોફણ વડે પથ્થર મારવાના શરુ કરી દીધા હતા. 

47 અધિકારીઓ અને કર્મચારીઓને ઇજા

હુમલામાં 47 અધિકારીઓ અને કર્મચારીઓને ઇજા થતાં ઘાયલ અધિકારી અને કર્મચારીઓને તાત્કાલિક અંબાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સૌથી ગંભીર ઇજા અંબાજી PI આર.બી. ગોહિલને પહોંચી હતી. તેમની હાલત નાજુક હોવાના કારણે LCB દ્વારા તાત્કાલિક પાલનપુર રીફર કરવામાં આવ્યા.

પાડલીયા ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ઘટનાની જાણ થતા  વન વિભાગ તથા પોલીસ તંત્રના અધિકારીઓ તત્કાળ સ્થળ પર પહોંચ્યા અને ઇજાગ્રસ્ત અધિકારીઓને સારવાર માટે ખસેડ્યા હતા. હાલ પાડલીયા ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને તણાવપૂર્ણ સ્થિતિ છે. પોલીસ દ્વારા હુમલાખોરો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી શરૂ કરી દીધી છે.


આ પણ વાંચો----  Ambaji પથ્થમારાની ઘટનામાં PI આર.બી. ગોહિલને કાનમાં તીર વાગતા બેભાન, હાલત ગંભીર

  • Follow us on: