ગિરની સરહદે આવેલા અમરેલી જિલ્લામાં સિંહોનું રહેણાંક વિસ્તારો અને હાઈવે પર દેખાવું હવે સામાન્ય બન્યું છે, પરંતુ જાફરાબાદના લોઠપૂર ગામ નજીક 10 સિંહોનો એક આખો સમૂહ જોવા મળતા કુતૂહલ સર્જાયું છે. વનવિભાગની હાજરીમાં આ 10 સાવજોએ અત્યંત શિસ્તબદ્ધ રીતે હાઈવે ક્રોસ કર્યો હતો, જેનો વીડિયો કેમેરામાં કેદ થયો છે.
લોઠપૂર નજીક રોડ ક્રોસ કરતો 10 સિંહનો વીડિયો
જાફરાબાદ પંથકમાં સિંહોની અવરજવર વધી હોવાથી વનવિભાગની ટીમ સતત પેટ્રોલિંગમાં હોય છે, જ્યારે 10 સિંહોનો આ સમૂહ હાઈવે પર આવી ચઢ્યો, ત્યારે વનવિભાગના કર્મચારીઓએ તાત્કાલિક બંને તરફનો ટ્રાફિક રોકી દીધો હતો. વાહનોની લાઈટો અને ઘોંઘાટ વચ્ચે સિંહો ગભરાય નહીં અને કોઈ અકસ્માત ન સર્જાય તે રીતે વનવિભાગે તમામ સાવજોને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવ્યો હતો.













