અમરેલી જિલ્લાના કુંકાવાવ પંથકમાં હિટ એન્ડ રનની એક ગંભીર ઘટના સામે આવી છે. કુંકાવાવ ચોકી રોડ પર આવેલા રેલવે ફાટક પાસે એક અજાણ્યા કાર ચાલકે બે નિર્દોષ રાહદારીઓને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકી કાર ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
ચોકી રોડ પર કારચાલકે બે રાહદારીને ઉડાવ્યા
રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા બે વ્યક્તિઓને પૂરપાટ ઝડપે આવતી ફોર-વ્હીલરે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આણંદભાઈ ભાલીયા નામના વ્યક્તિને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે, જ્યારે પરેશભાઈ નામના અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ છે. અકસ્માત થતા જ આસપાસના સ્થાનિકો અને અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.













