આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાંથી વિદેશ ગયેલી બે યુવતીઓ મોટી મુશ્કેલીમાં ફસાઈ હોવાની અને ત્યારબાદ ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા તેમનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું હોવાની રાહતજનક ઘટના સામે આવી છે. નોકરીની લાલચે લાઓસ દેશમાં બંધક બનેલી બોરસદના મકવાણા પરિવારની આ બંને દીકરીઓને 'ઓપરેશન મહીસાગર 2.0' હેઠળ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી છે. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં આણંદના સાંસદ મિતેશ પટેલે અત્યંત સક્રિય અને મહત્વની ભૂમિકા ભજવી છે.
નોકરીના બહાને એજન્ટોએ બંધક બનાવી
બોરસદની બે યુવતીઓને એજન્ટ દ્વારા થાઇલેન્ડમાં સારી નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી. એજન્ટની વાતોમાં આવીને યુવતીઓએ ઓનલાઇન વિઝા મેળવ્યા હતા અને વિદેશ જવા રવાના થઈ હતી. જોકે, વિદેશની ધરતી પર પહોંચતા જ એજન્ટોએ કપટપૂર્વક આ બંને યુવતીઓને થાઇલેન્ડને બદલે લાઓસ દેશમાં મોકલી આપી હતી. ત્યાં પહોંચતા જ સ્થાનિક શખ્સોએ યુવતીઓ પાસેથી તેમના પાસપોર્ટ સહિતના તમામ કિંમતી દસ્તાવેજો અને ડોક્યુમેન્ટ્સ બળજબરીપૂર્વક આંચકી લીધા હતા અને તેમને બંધક બનાવી દીધી હતી.













