આણંદ શહેરમાં બેફામ દોડતા ભારે વાહનો અને ડમ્પર ચાલકો જાણે નિર્દોષ નાગરિકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે. આણંદ શહેરમાં ફરી એકવાર ડમ્પરનો કહેર જોવા મળ્યો છે, જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. એક જ મહિનાની અંદર ડમ્પરના કારણે સર્જાયેલો આ બીજો મોટો અકસ્માત છે, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


ડમ્પરના તોતિંગ વ્હીલ ફરી વળ્યા

ઘટનાની મળતી માહિતી અનુસાર, આણંદના વ્યસ્ત એવા ભાલેજ રોડ પરથી પસાર થઈ રહેલા એક વ્યક્તિને બેફામ ગતિએ આવી રહેલા ડમ્પરે અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, ડમ્પરના તોતિંગ વ્હીલ તે વ્યક્તિ પર ફરી વળ્યા હતા. વ્હીલ નીચે કચડાવાને કારણે ભોગ બનનાર વ્યક્તિને શરીરે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં રોડ પર જ ફસડાઈ પડ્યો હતો.

108 મારફતે હોસ્પિટલ ખસેડાયો

અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટના અંગે તાકીદે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત વ્યક્તિની હાલત અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે.

એક જ મહિનામાં ડમ્પરનો આ બીજો બનાવ

આણંદ શહેરમાં બેફામ ચાલતા ડમ્પરો હવે નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે. ભાલેજ રોડ પર બનેલી આ ઘટના એક મહિનામાં બીજી છે. આ અગાઉ આણંદના 100 ફૂટ રોડ પર પણ એક ડમ્પર ચાલકે એક મહિલાને અડફેટે લઈને કચડી નાખી હતી, જેમાં તે મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ડમ્પરોની ગતિ પર નિયંત્રણ લાવવાની માગ

આણંદ શહેરમાં વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક રહીશોની માગ છે કે, રહેણાંક અને વ્યસ્ત વિસ્તારોમાં ડમ્પરોની ગતિ પર નિયંત્રણ લાવવામાં આવે અને બેદરકાર ચાલકો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે.


આ પણ વાંચો - Anand: વિદ્યાનગરમાં મધરાત્રે મીની વાવાઝોડાનું તાંડવ, ધૂળની ડમરીઓ સાથે તૂટી પડ્યો વરસાદ


  • Follow us on: