આણંદ જિલ્લાના ઉમરેઠ પંથકમાંથી ખેડૂતોની ચિંતા વધારતા સમાચાર સામે આવ્યા છે. ઉમરેઠના સીમ વિસ્તારમાં રાત્રિના સમયે તસ્કરોએ તરખાટ મચાવીને બે જુદા-જુદા ખેતરોમાં આવેલી ઓરડીઓને પોતાનો નિશાન બનાવી છે. સીમ વિસ્તારમાં વધતી ચોરીની પ્રવૃત્તિઓના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે ભય અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.
એક ઓરડીમાંથી ચોરી અને બીજીમાં બચાવ
આ ચોરીની ઘટના ઉમરેઠના નંદેસરી તલાવડી પાસે આવેલા સીમ વિસ્તારમાં બની હતી. અહીં તસ્કરોએ રાત્રિના અંધકારનો લાભ લઈને બે જુદા-જુદા ખેડૂતોની ઓરડીઓનાં તાળા તોડ્યા હતા. તેમાંથી એક ઓરડીનું તાળું તોડી તસ્કરો અંદર રાખેલી કિંમતી લોખંડની એંગલો તથા પતરાની ચોરી કરી આસાનીથી ફરાર થઈ ગયા હતા. જ્યારે સદ્દનસીબે બીજી ઓરડીનું મુખ્ય ઇન્ટરલોક મજબૂત હોવાના કારણે તે તૂટ્યું ન હતું, જેથી ત્યાં મોટી ચોરી થતાં અટકી ગઈ હતી.













