આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ધુલેટા ગામે વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધુલેટા ગામતળની જમીન પર થયેલા કાચા-પાકા દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. તાલુકા સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત થયેલા પ્રશ્નના આધારે વહીવટી તંત્રએ આ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી દરમિયાન ગામતળમાં થયેલા કુલ 23 પાકાં દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.
પોલીસની ઉપસ્થિતિમાં દબાણો દૂર કરવામાં આવ્યા
દબાણ હટાવવાની આ કાર્યવાહી દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામના સરપંચ, તલાટી અને પોલીસનો પૂરતો બંદોબસ્ત હાજર રહ્યો હતો. પોલીસની હાજરીમાં શાંતિપૂર્ણ માહોલમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવી છે.













