આણંદ જિલ્લાના પેટલાદમાં માનવતાને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે, જ્યાં ખંભાત રોડ પર એક તાજું જન્મેલું નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ફરિયાદી રવિભાઈ વિજયભાઈ રાજપૂત ગત રાત્રે બાથરૂમ જવા માટે ઉઠ્યા હતા ત્યારે તેમને રોડ પરથી નાના બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. તપાસ કરતા, કોલેજ ચોકડીથી ખંભાત જતા રોડ પર તેમના મકાન સામે જ એક નગ્ન હાલતમાં નવજાત બાળક રડતું પડ્યું હતું.


ખંભાત રોડ પર ગમગીની

પરિવારજનોની મદદથી તેમણે આસપાસ તપાસ કરી, પરંતુ બાળકનો કોઈ વાલી કે વારસદાર મળ્યો નહોતો, આથી તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પેટલાદ ટાઉન પોલીસ મથકે તાત્કાલિક પહોંચી હતી. પોલીસે નવજાત બાળકનો કબજો લઈ તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં મોકલી આપ્યું છે. પોલીસે ફરિયાદી રવિભાઈ રાજપૂતની ફરિયાદના આધારે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ બાળકને ત્યજી દેવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી નિર્દયી માતા કે વાલીની શોધખોળ શરૂ કરી છે.


  • Follow us on: