આણંદ જિલ્લાના બોરસદમાં બેફામ ગતિએ દોડતા ડમ્પરનો આતંક સામે આવ્યો છે. બોરસદના દાવોલ ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડમ્પરની અડફેટે આવતા એક સાયકલ ચાલકનું કરુણ મોત નીપજ્યું છે. બેફામ દોડતા ડમ્પરે સાયકલ સવારને ગંભીર રીતે અડફેટે લીધો હતો. જેના કારણે સાયકલ સવારને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતમાં સાયકલચાલકનું ઘટનાસ્થળે મોત
આ વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પરોના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ બોરસદ ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.












