કચ્છના અંજાર તાલુકાના વરસાણા ગામમાં આજે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અસામાજિક તત્વો અને નશાના કારોબાર સાથે સંકળાયેલા શખ્સો સામે રાજ્ય સરકારની કડક નીતિના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રકાશ બિશ્નોઈ નામનો શખ્સ, જે અગાઉ નશીલા પદાર્થોની હેરાફેરી (NDPS એક્ટ) ના ગંભીર ગુનામાં સંડોવાયેલો છે, તેણે વરસાણામાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો હતો.
વરસાણામાં આરોપીનું ગેરકાયદે દબાણ દૂર કરાયું
આરોપીએ આ સરકારી જમીન પર પાકું ધાબું (મકાન) બનાવી દીધું હતું. અંજાર પોલીસે આ દબાણની ઓળખ કરી તેને તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરી હતી. અંજાર પોલીસના કાફલાએ વરસાણા પહોંચીને જેસીબીની મદદથી આરોપી દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામનો સફાયો કર્યો હતો. આ કાર્યવાહી દ્વારા અંદાજે રૂ. 3,00,000ની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરાવીને ફરીથી સરકાર હસ્તક લેવામાં આવી છે.













