અરવલ્લી જિલ્લા પોલીસવડાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જિલ્લા LCBએ શામળાજી બોર્ડર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસકર્મી પોપટ ભરવાડ અને SRP જવાન રાહુલ દેસાઈ દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ ગયા હતા. આ બંને જવાનો રિક્ષામાં ભરીને લાવેલી દારૂની ૨૭ પેટીઓ કારમાં શિફ્ટ (કટિંગ) કરી રહ્યા હતા, ત્યારે જ પોલીસે તેમને દબોચી લીધા હતા.


લાંબા સમયથી ચાલતું હતું નેટવર્ક

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને જવાનો છેલ્લા ઘણા સમયથી બોર્ડર વિસ્તારનો લાભ ઉઠાવી દારૂના કટિંગ અને હેરાફેરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા. પોલીસ યુનિફોર્મ અને પદનો દુરુપયોગ કરીને તેઓ બુટલેગરોની જેમ નેટવર્ક ચલાવતા હોવાની વિગતો મળતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

કડક કાર્યવાહીની તૈયારી

LCB પોલીસે દારૂનો જથ્થો, રિક્ષા અને કાર જપ્ત કરી બંનેની ધરપકડ કરી છે. રાજ્યમાં જ્યારે 31મી ડિસેમ્બરને લઈને સઘન ચેકિંગ ચાલી રહ્યું છે, ત્યારે વિભાગના જ માણસો આ રીતે ઝડપાતા ઉચ્ચ અધિકારીઓએ આ મામલાને ગંભીરતાથી લીધો છે. પકડાયેલા બંને જવાનો સામે ખાતાકીય તપાસ અને કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: