હાલ રાજ્યમાં રવિ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે. ત્યારે વાવણી ટાણે જ ખેડૂતોને ખાતર મળતું નથી. ખાતર માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે. છતા તેમના હાથે ઘોર નિરાશા હાથ લાગે છે. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ખાતર માટે ખેડૂતોની ભારે રઝળપાટ જોવા મળી રહી છે. ત્રણ ત્રણ દિવસથી લાઇનમાં ઉભા રહેવા છતાં પણ ખેડૂતોને ખાતર મળી રહ્યું નથી.


ખેડૂતોએ શિયાળુ વાવેતર કરી દીધું છે

મેઘરજ તાલુકોએ સરહદી તાલુકો છે. ખાસ આદિવાસી અને બક્ષીપંચ વસ્તીની બહુમતિ ધરાવતો તાલુકો છે. મેઘરજ તાલુકામાં મોટા ભાગની વસ્તી ખેતી અને પશુપાલન પર આધાર રાખે છે. હાલ ખેડૂતોએ શિયાળુ વાવેતર કરી દીધું છે. હવે પાણી આપવાનો સમય થયો છે. પિયત થાય એ પહેલાં ખાતરની તાતી જરૂરિયાત હોય છે, ત્યારે ખેડૂતોને સમયસર ખાતર મળતું ન હોવાની ફરિયાદ છેલ્લા ઘણા દિવસોથી સાંભળવા મળી રહી છે.

ત્રણ ત્રણ દિવસથી ખાતર માટે વલખા

હાલ ખેતીની સિઝન શરૂ થઈ ગઈ છે. ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત છે, ત્યારે ગામડાઓમાંથી મહિલાઓને પણ પોતાનું કામકાજ છોડી ને દૂર દૂરથી કકડતી ઠંડીમાં છેક મેઘરજ ખાતર માટે આવવું પડે છે. આખો દિવસ ખાતર માટે લાઇનમાં ઉભા રહ્યા પછી પણ ખાતર મળતું નથી. સાંજે સમય પૂરો થાય એટલે ખાતર કેન્દ્ર બંધ થઈ જાય છે. આમ ત્રણ ત્રણ દિવસથી મહિલાઓ ખાતર માટે વલખા મારી રહી છે, ત્યારે ખેતી બરબાદ ના થાય એ માટે ખેડૂતોને ઝડપી ખાતર ઉપલ્બ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - કિર્તીદાન ગઢવીને મોંઘી પડી 'સૈયારા'ની રીલ, ૩ મહિના બાદ પોલીસે મોકલ્યો મેમો, જાણો કેટલો થયો દંડ?

  • Follow us on: