અરવલ્લી જિલ્લાના વકીલ આલમમાં ફરી એકવાર એકતાના દર્શન થયા છે. અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનની આગામી ટર્મ માટેની ચૂંટણી પ્રક્રિયામાં પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ નિર્ણયને વકીલોની એકતા અને સંગઠન શક્તિના વિજય તરીકે જોવામાં આવી રહ્યો છે. જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે હીરાભાઈ પટેલની સર્વાનુમતે અને બિનહરીફ વરણી કરવામાં આવી છે. તેમની સાથે અન્ય સભ્યોની પણ બિનહરીફ વરણી થતા સમગ્ર વકીલ મંડળમાં આનંદની લહેર પ્રસરી ગઈ છે.
અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે યોજાયો સત્કાર સમારંભ
ચૂંટણી વિના જ તમામ હોદ્દેદારો નક્કી થતા સમય અને શક્તિનો બચાવ થયો હોવાનું વકીલો જણાવી રહ્યા છે. આ બિનહરીફ વરણી બાદ અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે એક ભવ્ય સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ હીરાભાઈ પટેલ અને તેમની ટીમનું ફૂલહાર અને મોં મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકા મથકોના બાર એસોસિએશનના પ્રમુખો અને હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.













