અરવલ્લી જિલ્લાના મેઘરજમાં યુરિયા ખાતર ન મળવાના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. છેલ્લા 15 દિવસથી ખાતર માટે વલખાં મારી રહેલા ખેડૂતો આજે વહેલી સવારથી મેઘરજ સંઘ વિતરણ સેન્ટર પર મોટી સંખ્યામાં ભેગા થયા હતા. ખેડૂતો જ્યારે ખાતર લેવા પહોંચ્યા ત્યારે સંઘની ઑફિસે રજાનું બોર્ડ જોઈને ઉશ્કેરાઈ ગયા હતા.
ગોડાઉનમાં યુરિયાનો સ્ટોક હોવાનો ખેડૂતોનો આક્ષેપ
ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે ગોડાઉનમાં યુરિયાનો સ્ટોક હોવા છતાં તેને ગુપ્ત રીતે રાજસ્થાન મોકલીને ઊંચા ભાવે વેચવામાં આવે છે. વિફરેલા ખેડૂતોએ વિરોધ દર્શાવીને ગોડાઉનનું લોક તોડી નાખ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. મેનેજરે જણાવ્યું કે બે ગાડીઓ રિલીઝ કરાઈ છે અને હવે યુરિયા ખાતરની વહેંચણી કરવામાં આવશે. મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ સ્થળ પર હાજર રહ્યા.













