અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના બાયપાસ સ્ટેટ હાઈવે પર આજે એકાએક આગની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઈ હતી. મોડાસા બાયપાસ પર આવેલી યુનિટી હોસ્પિટલ નજીક એક મોપેડમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી સર્જાઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્ટેટ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ ફાળ પડી હતી.


ગેરેજ પર જતા જ આગ લાગી

ઘટનાની મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસા બાયપાસ સ્ટેટ હાઈવે પર સ્કૂટર સવાર યુવક પોતાનું વાહન લઈને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક સ્કૂટરમાં કોઈ ખામી સર્જાતા તે બંધ પડી ગયું હતું. વાહન ચાલુ ન થતા ચાલકે તેને યુનિટી હોસ્પિટલ પાસે સુરક્ષિત રીતે સાઈડમાં પાર્ક કર્યું હતું. ત્યારબાદ ચાલક નજીકમાં આવેલા ગેરેજ પર મેકેનિકને બોલાવવા માટે ગયો હતો. હજુ તો ચાલક થોડે દૂર જ પહોંચ્યો હતો, ત્યાં જ પાર્ક કરેલા સ્કૂટરમાંથી એકાએક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી.

શોર્ટ સર્કિટનું અનુમાન

આગની ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે, જોતજોતામાં આખું સ્કૂટર બળીને ખાખ થઈ ગયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ વાહનમાં વાયરિંગમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે, ચાલક વાહન પાસે ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ માલસામાનનું નુકસાન થયું હતું.

સ્થાનિકોમાં ફફડાટ

ભરચક એવા બાયપાસ રોડ પર ધોળા દિવસે લાગેલી આગને કારણે થોડીવાર માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તાર પાસે આ ઘટના બની હોવાથી લોકોમાં ચિંતા જોવા મળી હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં વાહન સંપૂર્ણપણે નષ્ટ પામ્યું હતું.


આ પણ વાંચો - Arvalli: જિલ્લામાં બેફામ ચાલતા ખનનથી પર્વતમાળાને બચાવવા કલેક્ટરને આવેદનપત્ર


  • Follow us on: