સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પ્રચારનો એક ખૂબ જ રસપ્રદ અને અનોખો અંદાજ જોવા મળ્યો છે. મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર-4 ના કોંગ્રેસના ઉમેદવાર દિપેનભાઈ પટેલે અન્ય ઉમેદવારોથી અલગ તરી આવવા માટે ઘોડે સવારી કરીને પ્રચાર કરવાનું પસંદ કર્યું હતું. ઉમેદવાર ઘોડે ચડીને નીકળતા જાણે કોઈ વરરાજાની જાન નીકળી હોય તેવો માહોલ સર્જાયો હતો, જેણે સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે કુતૂહલ અને આકર્ષણ જમાવ્યું છે.
ઢોલ-નગારા અને શરણાઈના સૂર વચ્ચે 'ખલીકપુર' ગજવ્યું
મોડાસાના ખલીકપુર વિસ્તારમાં જ્યારે દિપેન પટેલનો આ અનોખો પ્રચાર પ્રસાર શરૂ થયો ત્યારે વાતાવરણ એકદમ ઉત્સવમય બની ગયું હતું. ઢોલ-નગારા અને શરણાઈના સૂર સાથે નીકળેલા આ પ્રચારે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. પરંપરાગત શૈલીમાં અને ભવ્યતા સાથે મતદારોના ઘર સુધી પહોંચીને કોંગ્રેસના આ ઉમેદવારે પોતાની તરફેણમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. સ્થાનિક લોકો પણ ઉમેદવારના આ નવા પ્રયોગને જોવા માટે રસ્તાઓ અને બાલ્કનીઓમાં ઉમટી પડ્યા હતા.













