અમીરગઢ રેન્જના ખજુરિયા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા અંદાજે 60 મણ ખેરના લાકડા ઝડપી લઈને જપ્ત કરી લેવામાં આવ્યા છે. અમીરગઢ વન વિભાગની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ઇકબાલગઢ રાઉન્ડની ઝાંઝરવા બીટના વન રક્ષકને મળેલી બાતમીના આધારે ખજુરિયા ગામના માવભાઈ ભગાભાઈના સર્વે નંબરવાળા ખેતરમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ખેરના લીલા વૃક્ષો કાપીને એકત્ર કરેલા મળી આવ્યા હતા.


વન વિભાગની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાથી જપ્ત કરાયા

આ વૃક્ષો કાપવા માટે વન વિભાગની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાથી અમીરગઢ રેન્જ દ્વારા સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. 25 નવેમ્બર, 2025ના રોજ વન રક્ષકને આ અંગેની બાતમી મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા.

વન રક્ષકે વનપાલ ઇકબાલગઢ બાથીજીને જાણ કરતા, તેઓ તેમની ટીમ અને પંચો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કપાયેલા ખેરના લીલા વૃક્ષોનો મુદ્દામાલ જપ્ત કરીને નર્સરી ખાતે લાવ્યા હતા.

આ પાંચ વૃક્ષો કાપવા પર પ્રતિબંધ

વન વિભાગના જણાવ્યા અનુસાર, ખેર એ અનામત વૃક્ષની શ્રેણીમાં આવે છે. ખેર, ચંદન, સીસમ, મહુડો અને સાગ જેવા પાંચ વૃક્ષો અનામત વૃક્ષો ગણાય છે. જો આ વૃક્ષો પોતાની માલિકીની જમીનમાં હોય તો પણ તેને કાપવા માટે વન વિભાગ પાસેથી પહેલા મંજૂરી લેવી પડે છે. જો પહેલા મંજૂરી લીધા વગર અનામત શ્રેણીના વૃક્ષો કાપવામાં આવે તો ભારતીય વન અધિનિયમ 1927 હેઠળ ગુનો બને છે. અમીરગઢ રેન્જ દ્વારા લોકોને આવા વૃક્ષો કાપતા પહેલા વન વિભાગની પૂર્વ મંજૂરી લેવા માટેની અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો - Gir Somnath News: રાજ્યમાં વધુ એક શિક્ષકે કરી આત્મહત્યા, ઉનાની સરકારી શાળાની શિક્ષિકાએ જીવન ટૂંકાવ્યું


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: