બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાના ભાગરૂપે બનાસકાંઠા LCB દ્વારા દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ કાર્યવાહી કરવામાં આવી છે.પાલનપુર LCBના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વાઘરોળ ગામની સીમમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ વોચ દરમિયાન ક્રેટા ગાડી નંબર GJ12FF1407 ને રોકવામાં આવી, જેના પર GJ18ED7586 નંબરની ખોટી નંબર પ્લેટ લગાવેલી હતી.
દાંતીવાડામાં LCB ની કાર્યવાહી
તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1334 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 4,28,749 થવા જાય છે. પોલીસે દારૂ, રૂપિયા 10 લાખની ક્રેટા ગાડી અને રૂપિયા 10,000 નો મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 14,38,749 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી રાજસ્થાનના રહેવાસી ખેમારામ આંબારામ સોનારામ જાટની ધરપકડ કરી છે, જ્યારે ગાડીનો ચાલક ભોમારામ પ્રજાપતિ નાસી છૂટ્યો હતો. દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં ફરાર આરોપી સહિત બે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.













