બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ વન વિભાગે ખજૂરિયા ગામમાં ગેરકાયદેસર વન કટિંગના મામલે મોટી કાર્યવાહી કરી છે. વન વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે ખજૂરિયા ગામમાં એક ખેડૂત દ્વારા તેમના માલિકીના ખેતરમાં બિનઅધિકૃત રીતે ખેરના વૃક્ષો કાપવામાં આવ્યા છે. બાતમીના આધારે વન વિભાગની ટીમે તાત્કાલિક ખેતરમાં તપાસ હાથ ધરી હતી, જેમાં તેમને ખેરના લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
ગેરકાયદેસર ખેર કટિંગનો પર્દાફાશ
વન વિભાગે આશરે 60 મણ ખેરના લાકડાં જપ્ત કર્યા છે. ખેરના લાકડાંના કટિંગ માટે જરૂરી પરવાનગી ન હોવાને કારણે વન વિભાગે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. વન વિભાગ દ્વારા લાકડાં જપ્ત કરીને આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા ખેડૂત સામે કાયદાકીય પગલાં ભરવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.













