બહુચરાજી-શંખલપુર વિસ્તારમાં ઠાકોર સમાજનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. આ પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમાજને એકતા અને સંગઠનનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. ગેનીબેન ઠાકોરે ભારપૂર્વક જણાવ્યું કે, સમાજના વિકાસ માટે માત્ર જનસંખ્યા પૂરતી નથી, મજબૂત 'વિલ પાવર' અને યોગ્ય સિસ્ટમ હોવી અનિવાર્ય છે. તેમણે શિક્ષણના પ્રસાર, મહિલા સશક્તિકરણ, અંધશ્રદ્ધા નિવારણ અને યુવાનો માટે રોજગારી તથા લાઇબ્રેરીની સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.


ગેનીબેન ઠાકોરનું નિવેદન

તેમણે સહકારી ક્ષેત્રની વાસ્તવિકતા પર કટાક્ષ કરતા કહ્યું કે, ડેરી કે સહકારી ક્ષેત્રમાં ભલે ગમે તેટલા ઠરાવો થાય, પણ જ્યારે વોટિંગનો સમય આવે છે, ત્યારે લોકો ટૂંકા રસ્તા અપનાવીને ચેરમેન કહે ત્યાં મત આપી દે છે, જે યોગ્ય નથી. તેમણે સ્પષ્ટતા કરી કે, જ્યાં સુધી સમાજમાં એકજૂટતા અને 'વિલ પાવર' નહીં આવે, ત્યાં સુધી સરકાર હોય કે સહકારી સંસ્થાઓ, સમાજની અવગણના થતી રહેશે. ગેનીબેને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જો ભવિષ્યમાં રાજકીય કે સામાજિક રીતે કોઈ અન્યાય થાય, તો ઠાકોર સમાજ એક થઈને લડવા માટે સક્ષમ છે અને કાયદો-વ્યવસ્થાની દ્રષ્ટિએ કોઈ દીકરા-દીકરીને તકલીફ પડશે તો સૌ સાથે મળીને મદદ કરશે.

આ પણ વાંચો : Banaskantha News : અમીરગઢના ખજૂરિયા ગામે વન વિભાગનો સપાટો, ખેતરમાંથી ખેરના 60 મણ લાકડા ઝડપાયા 

  • Follow us on: