બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઓગડ નજીક આવેલા રાણકપુર ગામે એક ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં પાણી પીવા ગયેલા એક યુવકનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ડૂબી ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને ગ્રામજનો દ્વારા કેનાલમાં વ્યાપક શોધખોળ શરૂ કરવામાં આવી છે.
યુવકનો પાણી પીવા જતાં પગ લપસ્યો
શિહોરી નજીક આવેલા શંકરપુરા ગામના વતની ગલબાજી ઠાકોર નામના યુવક રાણકપુર ગામે પોતાના સંબંધીને ત્યાં મહેમાનગતિએ આવ્યા હતા. આ દરમિયાન તેઓ રાણકપુર ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ પર ગયા હતા. જ્યાં કેનાલના કિનારે પાણી પીવાનો પ્રયાસ કરતી વખતે અચાનક તેમનો પગ લપસી ગયો હતો અને તેઓ સીધા વહેતા પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાની ચર્ચા વહેતી થઈ છે.













