બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુર ગામેથી એક અત્યંત કરુણ અને ચિંતાજનક ઘટના સામે આવી છે.રાણકપુર ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવક અચાનક ડૂબી ગયો હોવાના સમાચાર મળતા જ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
યુવક કેનાલના કિનારે પાણી પીવા માટે ગયો હતો
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, શિહોરી ગામના વતની ગલબાજી ઠાકોર નામના યુવક કેનાલમાં ડૂબ્યા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે, યુવક કેનાલના કિનારે પાણી પીવા માટે ગયો હતો, તે દરમિયાન અચાનક તેનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને જોતજોતામાં પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ આજુબાજુના ગ્રામજનો અને યુવકના પરિવારજનો મોટી સંખ્યામાં કેનાલ પર દોડી આવ્યા હતા.













