આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને બનાસકાંઠાની ધાનેરા પોલીસ દ્વારા નાગરિકોની સલામતી માટે એક મહત્વપૂર્ણ અને સરાહનીય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પતંગની જીવલેણ દોરીથી વાહનચાલકોને થતી ઈજાઓ અને અકસ્માતો રોકવા માટે પોલીસ સ્ટાફ દ્વારા જાતે જ લોકોના ટુ-વ્હીલર પર સેફ્ટી ગાર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવી હતી.
જીવલેણ દોરીથી બચવા પોલીસનું સુરક્ષા કવચ
દર વર્ષે ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચાઈનીઝ દોરી અથવા કાચ પાયેલી દોરીના કારણે વાહનચાલકોના ગળા કપાવવાની અનેક ગંભીર ઘટનાઓ સામે આવતી હોય છે. આ જોખમને ટાળવા માટે ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમના સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોને અટકાવી તેમના વાહનોમાં સુરક્ષા માટે લોખંડના તારના સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા.













