બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં જમીન વિવાદને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિયોદરના લીલાધર ગામના એક પીડિત પરિવારે પોતાની માલિકીની જમીન મેળવવા માટે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે. આ પરિવારના 20થી વધુ સભ્યો આજે પોતાના ઘરનો તમામ સામાન, રાંધવાના વાસણો અને અન્ય સામગ્રી સાથે સીધા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં જ ધામા નાખ્યા હતા.


શું છે સમગ્ર વિવાદ?

ઘટનાની મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલા લીલાધર ગામના દેવીપૂજક પરિવારે વર્ષો પહેલા ગામના હિત માટે ગ્રામ પંચાયતનું ભવન બનાવવા પોતાની ખાનગી જમીન સરકારને સોંપી હતી. તે સમયે એવી ખાતરી આપવામાં આવી હતી કે, આ જમીનના બદલામાં પરિવારને અન્ય જગ્યા પર જમીન ફાળવવામાં આવશે. જોકે, વર્ષો વીતવા છતાં તંત્ર દ્વારા આ પરિવારને વૈકલ્પિક જમીન ફાળવવામાં આવી નથી, જેના કારણે પરિવાર પાયમાલ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

બે મહિનાથી સંઘર્ષ છતાં પરિણામ શૂન્ય

પીડિત પરિવાર છેલ્લા બે મહિનાથી પોતાની માલિકીની જમીનનો કબ્જો મેળવવા અથવા નવી જમીન ફાળવવા માટે પંચાયત ભવન ખાતે કબ્જો કરીને બેઠો હતો. વહીવટી તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ ન આવતા આખરે કંટાળીને આજે પરિવારે મામલતદાર કચેરી ખાતે વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. મામલતદાર કચેરીના પટાંગણમાં ઘરવખરી સાથે બેઠેલા નાના બાળકો અને મહિલાઓના દ્રશ્યોએ સ્થાનિકોમાં ચર્ચા જગાવી છે.

શું છે પરિવારની માંગણી?

પીડિતોનું કહેવું છે કે, અમે સરકારના વિકાસ માટે અમારી જમીન આપી દીધી, પરંતુ આજે અમારે જ બેઘર થવાનો વારો આવ્યો છે. જ્યાં સુધી અમને જમીનનો કબ્જો નહીં મળે અથવા વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરી આપવામાં આવે ત્યાં સુધી અમે કચેરી છોડીશું નહીં. હાલમાં મામલતદાર કચેરી ખાતે પોલીસ અને વહીવટી અધિકારીઓ દ્વારા પરિવારને સમજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ પરિવાર પોતાની માંગણી પર અડગ છે.


આ પણ વાંચો - Banaskantha News: જિલ્લા પોલીસ વડાના ચેકિંગમા દારુ પીધેલા ચાર નબીરા ઝડપાયા


  • Follow us on: