બનાસકાંઠા જિલ્લાના દિયોદર હાઈવે પર નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાતા હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો છે. એક તરફ દિયોદર શહેરની અનેક સોસાયટીઓ છેલ્લા એક સપ્તાહથી પાણી માટે વલખાં મારી રહી છે, ત્યારે બીજી તરફ પાઇપલાઇન તૂટતા રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી.
કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી
દિયોદર રેલવે ઓવરબ્રિજથી ખીમાણા હાઈવે સર્કલ સુધી અત્યારે ફોરલેન રોડનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઇનનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ કામગીરી વેળાએ જેસીબી કે અન્ય મશીનરીને કારણે નર્મદાની મુખ્ય પાઇપલાઇન ક્ષતિગ્રસ્ત થઈ હતી. કોન્ટ્રાક્ટરની આ અસાવધાનીને લીધે પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું અને જોતજોતામાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.













