બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના શિક્ષિત યુવાનોએ એકઠા થઈને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની નવી પરીક્ષા પદ્ધતિ સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. યુવાનોએ દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે, આગામી CCE (ગ્રુપ-A અને ગ્રુપ-B) ની ભરતી પ્રક્રિયા ઓનલાઈન (CBRT) પદ્ધતિને બદલે પરંપરાગત ઓફલાઇન (OMR) પદ્ધતિથી યોજવામાં આવે. ઉમેદવારોનો તર્ક છે કે ઓનલાઈન પરીક્ષાના કેન્દ્રો દૂર હોવાથી અને ટેકનિકલ કારણોસર અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના યુવાનોને ભારે મુશ્કેલી પડે છે.
ભૂતકાળના અન્યાયનો આપ્યો હવાલો
યુવાનોએ આવેદનમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અગાઉની ઓનલાઈન પરીક્ષાઓમાં 'નોર્મલાઈઝેશન' પદ્ધતિના કારણે મહેનત કરતા ઉમેદવારોના માર્ક્સમાં 2 થી 37 ગુણ સુધીનો મોટો તફાવત જોવા મળ્યો હતો. આ પ્રક્રિયામાં નસીબના આધારે પરિણામ બદલાતા હોવાથી મહેનતુ યુવાનોને અન્યાય થઈ રહ્યો છે. આ ઉપરાંત, અગાઉની પરીક્ષામાં ૩૦૦થી વધુ ખોટા પ્રશ્નોના મામલે હાઇકોર્ટ સુધી જવું પડ્યું હતું, જેના કારણે ભરતી પ્રક્રિયામાં લાંબો વિલંબ થયો હતો. યુવાનોએ સ્પષ્ટ કર્યું છે કે પોલીસ કોન્સ્ટેબલ અને PSI જેવી ઓફલાઇન પરીક્ષાઓ વધુ પારદર્શક અને ઝડપી હોય છે.













