ભરૂચ નગરપાલિકા અને ફુડ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ભરૂચ શહેરના રહેવાસીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર કે જ્યાં ખાણી-પીણીના સ્ટોલ અને લારીઓની ભારે ભીડ હોય છે, ત્યાં અચાનક અધિકારીઓની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસના ધમધમાટના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.


વાસણોની સ્વચ્છતાનું નિરીક્ષણ કરવામાં આવ્યું

ફૂડ વિભાગના અધિકારી એન. આર. રાઠવા અને પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ પોતે આ ચેકિંગમાં જોડાયા હતા. ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય એ તપાસવાનો હતો કે, ગ્રાહકોને જે ફૂડ સપ્લાય થઈ રહ્યું છે તે ખરેખર આરોગ્યપ્રદ છે કે નહીં. ચેકિંગ દરમિયાન ખાદ્ય પદાર્થો બનાવવા માટે વાપરવામાં આવતી સામગ્રી, જેમ કે તેલ, મસાલા, અને તૈયાર શાકભાજી કેવા સ્તરના છે તેની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ખાણીપીણીના સ્ટોલની આજુબાજુ અને રસોઈ બનાવવાના સ્થાન પર તેમજ ખાણીપીણી બનાવવાના વાસણોની સ્વચ્છતાની તપાસ પણ કરવામાં આવી હતી.

સ્વચ્છતા અને ગુણવત્તા પર ભાર

આ ઉપરાંત ખાદ્ય સામગ્રી બનાવતા કે વેચાણ બાદ ઉત્પન્ન થતા કચરાનો યોગ્ય અને નિયમિત નિકાલ કરવામાં આવે છે કે નહીં તેની ખાતરી પણ કરવામાં આવી છે. આ ઝુંબેશ દ્વારા પાલિકા અને ફૂડ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની સમાધાનબાજી ચલાવવામાં નહીં આવે અને સ્વચ્છતા તથા ગુણવત્તાના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક પગલાં લેવાશે.


આ પણ વાંચો - Bharuch News: પાણીની લાઇનમાંથી ફીણ નીકળ્યું, NCTLની લાઇનમાં ભંગાણ હોવાનો આક્ષેપ



  • Follow us on: