ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસતી ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. નબીપુર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી રીલીફ હોટલ નજીકથી પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.


વિદેશી દારૂની કુલ 12312 બોટલો મળી આવી

ઘટનાની મળતી માહિતી અનુસાર, ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સઘન પેટ્રોલિંગ અને ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં એક વાહનમાંથી વિદેશી દારૂની કુલ 12312 બોટલો મળી આવી હતી. આ દારૂનો જથ્થો, વાહન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 4412000 રૂપિયાની કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આ દારૂની હેરાફેરીના આરોપસર એક આરોપીની પણ ધરપકડ કરી છે.

બુટલેગરોમાં ફફડાટ

ભરૂચ પોલીસે આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો, તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ ઓપરેશનથી ભરૂચ સમગ્ર જિલ્લાના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


  • Follow us on: