પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ) માં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેની સીધી અને માઠી અસર ભરૂચના અંકલેશ્વર, દહેજ અને પાનોલી જેવા ઔદ્યોગિક વિસ્તારો પર જોવા મળી રહી છે. પેટ્રોકેમિકલ્સની ભારે અછત સર્જાતા પ્લાસ્ટિક ઉદ્યોગ માટે અનિવાર્ય એવા પોલીમરના દાણાના ભાવમાં અસહ્ય વધારો થયો છે. યુદ્ધ પહેલા જે દાણા પ્રતિ કિલો રૂ.98 માં મળતા હતા, તેનો ભાવ અત્યારે રૂ.168 પર પહોંચી ગયો છે. કાચા માલમાં થયેલો આ 80 ટકાનો વધારો નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે અસ્તિત્વનું સંકટ બની ગયો છે.


પ્લાસ્ટિક અને જંતુનાશક દવાઓ મોંઘી થઈ

પોલીમરના ભાવમાં થયેલા આ વિસ્ફોટક વધારાને કારણે ઉત્પાદન ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે. પરિણામે, રોજિંદા વપરાશની પ્લાસ્ટિકની વસ્તુઓથી લઈને ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ (Pesticides) ના ભાવમાં પણ વધારો કરવાની ઉદ્યોગકારોને ફરજ પડી છે. જંતુનાશક દવાઓના પેકેજિંગમાં મોટાપાયે પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાથી ખેડૂતો પર પણ આડકતરી રીતે આર્થિક બોજ વધ્યો છે. ભરૂચ જિલ્લાના અનેક નાના એકમોએ ઓર્ડર હોવા છતાં કાચા માલના ઉંચા ભાવને કારણે કામકાજ અટકાવી દેવાની નોબત આવી છે.

નાના ઉદ્યોગો માટે ટકી રહેવું મુશ્કેલ, રોજગારી પર જોખમ

MSME ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર, 80 ટકા જેટલો ભાવ વધારો પચાવવો કોઈ પણ નાના એકમ માટે શક્ય નથી. પ્રોડક્શન કોસ્ટ વધી જતાં બજારમાં હરીફાઈમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. ભરૂચના ઔદ્યોગિક સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો મિડલ ઇસ્ટમાં પરિસ્થિતિ જલ્દી થાળે નહીં પડે, તો આગામી દિવસોમાં અનેક એકમોને તાળાં લાગી શકે છે, જેની સીધી અસર હજારો શ્રમિકોની રોજગારી પર પડશે. અત્યારે ઉદ્યોગજગત સરકાર પાસે આ બાબતે હસ્તક્ષેપ અને રાહતની આશા રાખી રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: