ભરૂચના વાગરા પંથકમાં ફિલ્મી ઢબે હત્યાનો પ્રયાસ કરનાર ખૂંખાર આરોપી હનીફ ગઠને લઈને પોલીસે તપાસનો ગાળિયો મજબૂત કર્યો છે. મુલેર ગામમાં મકસુદ પટેલ નામના વ્યક્તિ પર ગાડી ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કરનાર આ આરોપીને સાથે રાખીને પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન આરોપીના ચહેરા પરનો ખૌફ અને પોલીસની કડક કાર્યવાહી જોઈને સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.
ધગધગતા તાપમાં ઉઘાડા પગે રિકન્સ્ટ્રક્શન
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં ધગધગતા બપોરના તાપમાં આરોપી હનીફ ગઠને તેના ઘરથી લઈને બસ સ્ટેન્ડ સુધી ઉઘાડા પગે ચલાવીને લઈ જવામાં આવ્યો હતો. આરોપીએ જે રીતે 100ની સ્પીડે બેફામ કાર હંકારીને મકસુદ પટેલને કચડવાનો પ્રયાસ કર્યો હતો, તે સમગ્ર ઘટનાનું પોલીસે પંચોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ગામમાં ભયનો માહોલ ઊભો કરનાર આ શખ્સની હાલત જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.













