ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા પાસે પસાર થતી નર્મદા નિગમની નહેરમાં ફરી એકવાર ગાબડું પડવાની ઘટના સામે આવી છે. આ ગાબડાને કારણે હજારો લીટર કિંમતી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવાઈની વાત એ છે કે, આ નહેરનું રિપેરિંગ માત્ર એક વર્ષ પહેલાં જ કરવામાં આવ્યું હતું, છતાં ગાબડું પડતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે.
તંત્રના પાપે ખેડૂતો પાયમાલ
નહેરમાં ગાબડું પડવાને કારણે છેવાડાના ગામડાઓના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચતું અટકી ગયું છે. એક તરફ ખેડૂતો પાણી વિના હેરાન થઈ રહ્યા છે, તો બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે પાણી વહી રહ્યું છે. નર્મદા નિગમ દ્વારા નહેરની સાફ-સફાઈના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં નહેરો ઉપર બાવળોની જાળીઓ જામી ગઈ છે, જે તંત્રની નિષ્ફળતા છતી કરે છે.













