ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો હતો. આ ગંભીર સમસ્યા અંગે સંદેશ ન્યૂઝ દ્વારા સતત અને સચોટ અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેના પગલે આખરે ઊંઘતું પાલિકા તંત્ર જાગ્યું છે. સંદેશ ન્યૂઝની અસરને પગલે નગરપાલિકાએ શ્વાનોને પકડવાની અને તેમના રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે.
કૂતરાઓના આંતકથી લોકોમાં હતો ભયનો માહોલ
આમોદ નગરમાં રખડતા શ્વાનોએ અનેક માસૂમ બાળકો પર હુમલો કરી તેમને લોહીલુહાણ કર્યા હતા. સ્થિતિ એટલી હદે વણસી હતી કે બાળકોને ઘરની બહાર નીકળવામાં પણ ડર લાગતો હતો. રાત્રિના સમયે બાઈક ચાલકો પાછળ શ્વાનો દોડતા હોવાથી અકસ્માતનો ભય રહેતો હતો. અનેક રજૂઆતો છતાં પાલિકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાતું હતું, પરંતુ અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.













