ભરૂચના દહેજ દરિયા કિનારે આજે કુદરત અને માનવીય સંવેદનાનો સુમેળ જોવા મળ્યો હતો. દરિયામાં ઓટ (લો ટાઈડ) આવવાના કારણે બે ડોલ્ફિન માછલીઓ કિનારાની એક નાની ક્રીકમાં ફસાઈ ગઈ હતી. જોકે, ત્યાં હાજર જાગૃત કામદારોની સમયસૂચકતાને કારણે આ બંને ડોલ્ફિનને નવજીવન મળ્યું છે.
ઓટના કારણે ક્રીકમાં ફસાઈ ડોલ્ફિન
ઘટનાની મળતી માહિતી અનુસાર, દહેજ દરિયા કિનારે જ્યારે ભરતીના પાણી ઓસર્યા ત્યારે દરિયાઈ કરંટ સાથે આવેલી બે ડોલ્ફિન કિનારાની નાની ક્રીકમાં રહી ગઈ હતી. પાણી ઓછું થઈ જવાથી આ બંને ડોલ્ફિન પરત ઊંડા દરિયામાં જઈ શકી ન હતી અને કાદવ-કીચડવાળા ઓછા પાણીમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી હતી.













