જ્યારે આખું ગુજરાત ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના ટીપે-ટીપા માટે તરસી રહ્યું છે, ત્યારે ભરૂચના ડુંગરી વિસ્તારમાં તંત્રની બેદરકારીને કારણે લાખો લીટર પીવાનું પાણી ગટરમાં વહી ગયું હતું. 'નલ સે જલ' યોજના હેઠળ કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકીનો વાલ્વ ખરાબ થતાં રસ્તાઓ પર જાણે ચોમાસું બેઠું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
10 લાખ લીટર પાણીનો વેડફાટ
ભરૂચના ડુંગરી વિસ્તારમાં અંદાજે રૂપિયા 2 કરોડના ખર્ચે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. જોકે, આ ટાંકીનો મુખ્ય વાલ્વ અચાનક ખરાબ થઈ જતાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાલિકા પાસે આ પાણીનો સંગ્રહ કરવા માટે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાને કારણે, વાલ્વ રિપેર કરવા માટે આખી ટાંકી ખાલી કરવાની ફરજ પડી હતી. પરિણામે, 10 લાખ લીટર શુદ્ધ પીવાનું પાણી માર્ગો પર ફરી વળ્યું હતું અને અંતે ગટરમાં વહી ગયું હતું.













