ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં આવેલી એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં આવેલા એક જાણીતા હેર સલૂનમાં લાગેલી આગને કારણે મોટું આર્થિક નુકસાન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
એડવાન્સ હેર સલૂન આગની ઝપેટમાં
ઘટનાની મળતી માહિતી અનુસાર, ટંકારી ભાગોળ વિસ્તારમાં આવેલી ‘એડવાન્સ હેર સલૂન’ નામની દુકાનમાં અચાનક આગ લાગી હતી. દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ આસપાસના લોકો અને વેપારીઓ એકઠા થઈ ગયા હતા. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સલૂનમાં રહેલી ફર્નિચર અને અન્ય કિંમતી સાધન-સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ દુકાનમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે આ દુર્ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સ્થાનિકોએ પોતાના સ્તરે આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, જેના કારણે આગ વધુ પ્રસરે તે પહેલા કાબૂમાં આવી ગઈ હતી.
સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઘટનાને પગલે ટંકારી ભાગોળ વિસ્તારમાં થોડો સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક વહીવટી તંત્ર અને વીજ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે, જેથી આગ લાગવાનું સચોટ કારણ જાણી શકાય.
આ પણ વાંચો - Bharuch : અંકલેશ્વરમાં ઉદ્યોગો પર યુદ્ધની અસર, ઉદ્યોગોને 50% ગેસ કાપની નોટિસ