ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાંથી એક અત્યંત દૂખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સિહોરના ઐતિહાસિક અને જાણીતા ગૌતમેશ્વર તળાવમાં એક 23 વર્ષીય આશાસ્પદ યુવક ડૂબી જતાં તેનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને તળાવ કિનારે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. એક તરફ ભરજુવાનીમાં દીકરાનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે, તો બીજી તરફ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


ગૌતમેશ્વર તળાવમાં ડૂબતા યુકતનું મોત

સ્થાનિક સૂત્રો અને પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ગૌતમેશ્વર તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામનાર આ 23 વર્ષીય યુવકનું નામ અદનાન સોરઠીયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તબક્કે સ્થાનિક સ્તરે એવી પ્રબળ ચર્ચા ચાલી રહી છે કે, અદનાન છેલ્લા કેટલાક સમયથી ગંભીર આર્થિક તંગી અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. આ નાણાકીય મુશ્કેલીઓ અને માનસિક તણાવથી કંટાળીને જ તેણે તળાવમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, આત્મહત્યા પાછળનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

ચાર કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો

યુવક તળાવમાં ડૂબ્યો હોવાની જાણ થતાં જ સિહોર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તળાવના ઊંડા પાણીમાં યુવકની શોધખોળ માટે વ્યાપક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર ફાઈટર્સની ટીમ અને તરવૈયાઓની સતત ચાર કલાકની ભારે મહેનત અને સઘન શોધખોળ બાદ આખરે અદનાન સોરઠીયાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પંચનામા સહિતની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: