ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભાવનગર રોડ પર એક આઇસર ટ્રક પલટી મારી જતાં એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.


નીલગાયનું એક મોટું ટોળું રસ્તા પર આવી જતા અકસ્માત

પ્રાથમિક માહિતી મુજબ, ગરાજીયા ગામનો એક પરિવાર સગાઈનો પ્રસંગ પતાવીને પરત ફરી રહ્યો હતો, ત્યારે પાલીતાણા-ભાવનગર રોડ પર અચાનક નીલગાયનું એક મોટું ટોળું રસ્તા પર આવી જતાં આઇસરના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી ખાઈ ગઈ હતી.

20 લોકોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક આગેવાનો તેમજ પોલીસને જાણ કરી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 20 લોકોને તાત્કાલિક સારવાર અર્થે પાલીતાણા સરકારી હોસ્પિટલ તેમજ વધુ સારવાર માટે સિહોર રિફર કરવામાં આવ્યા છે.

ગરાજીયા ગામના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તાત્કાલિક ટ્રાફિક જામ હળવો કરીને બચાવ કામગીરીમાં મદદ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. નીલગાયના ટોળાને કારણે સર્જાયેલા આ અકસ્માતથી ગરાજીયા ગામના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હાલ આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: