ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારના રહેવાસીઓએ તેમના વિસ્તારને અશાંતધારા હેઠળ સમાવેશ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરી છે. મોટી સંખ્યામાં સ્થાનિકોએ નવાપરા ખાતે આવેલી પોલીસ અધિક્ષક કચેરીએ એકઠા થઈને DySPને આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે હાદાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી હિંદુ સમાજ રહે છે. પરંતુ મુસ્લિમ બિલ્ડરો તેમની જગ્યાઓ એન-કેન પ્રકારે સસ્તા ભાવે ખરીદવા માટે દબાણ કરી રહ્યા છે.
નાયબ પોલીસ અધિક્ષકને સ્થાનિકોએ આવેદનપત્ર આપ્યું
આ ઉપરાંત સ્થાનિકોએ જણાવ્યું કે વિસ્તારમાં આવેલા ઘણા મંદિરોની આસપાસ પણ વિધર્મી સમાજના લોકો સસ્તામાં મિલકત ખરીદીને વિધર્મીઓને મકાન ભાડે રહેવા માટે આપે છે. હિંદુ સમાજ બહુમતીમાં હોવા છતાં અમુક વિધર્મી સમાજના લોકો હાવભાવ ઊભા કરીને લોકોને ડરાવી-ધમકાવીને દબાણ કરે છે. આ ગતિવિધિઓને રોકવા માટે અને સામાજિક સંતુલન જાળવી રાખવા માટે હાદાનગર વિસ્તારને તાત્કાલિક અશાંતધારામાં સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.













