ભાવનગર જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ભાવનગર-તળાજા નેશનલ હાઈવે પર ભડી ગામ નજીક બનેલી એક દુખદ ઘટનામાં 21 વર્ષીય યુવાન વિશ્વરાજસિંહ ગોહિલનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. રખડતા ઢોરના કારણે સર્જાયેલા આ અકસ્માતે તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર છતી કરી છે. મૃતક વિશ્વરાજસિંહ મેડિકલ ક્ષેત્રે નોકરી કરતા હતા અને દરરોજ ભંડારીયા ગામથી ભાવનગર અપ-ડાઉન કરતા હતા.


ભાવનગર-તળાજા હાઈવે પર ભડી ગામ નજીક ઘટના

બે દિવસ પહેલા જ્યારે તેઓ પોતાનું ટુ-વ્હીલર લઈને ભાવનગરથી પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે ભડી ગામ પાસે અચાનક એક રખડતું ઢોર આડું ઉતર્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે વિશ્વરાજસિંહને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનો જીવ બચી શક્યો ન હતો. વિશ્વરાજસિંહ તેમના પિતાના એકના એક દીકરા હતા. તેમના પિતા વ્યવસાયે ખેડૂત છે.

એકના એક દીકરાના મોતથી પરિવારમાં શોક

ઘરના ચિરાગ સમાન જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી ભંડારીયા ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાઈવે પર રખડતા પશુઓના કારણે વારંવાર થતા અકસ્માતોને રોકવામાં નિષ્ફળ રહેલા પ્રશાસન સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: