સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની માનવ વસાહત તરફની અવરજવર વધી રહી છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપા ગામે મોડી રાત્રે ત્રણ સાવજોએ શિકારની શોધમાં ગામમાં એન્ટ્રી કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સમગ્ર ઘટના ગામમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.
પશુઓમાં મચી નાસભાગ
CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, મધરાત્રે જ્યારે આખું ગામ સૂતું હતું, ત્યારે ત્રણ સિંહો એકસાથે શિકારની શોધમાં ગામની શેરીઓમાં આવી ચડ્યા હતા. સિંહને જોતા જ શેરીમાં બાંધેલી ગાયો અને અન્ય પશુઓ જીવ બચાવવા માટે આમ-તેમ ભાગતા નજરે પડ્યા હતા. સિંહોની હાજરીથી પશુઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.













