ભાવનગરથી મહુવા તરફ જઈ રહેલા એક ટ્રકને માઢીયા ગામ પાસે અકસ્માત નડ્યો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલા આ ટ્રકચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક રોડ વચ્ચેના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક રોડ પર જ પલટી ખાઈ ગયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
ડીઝલ ટેન્ક તૂટતા ટ્રક આગના ગોળામાં ફેરવાયો
ટ્રક પલટી ખાઈ જવાની સાથે જ તેની ડીઝલ ટેન્ક જોરદાર ધડાકા સાથે તૂટી ગઈ હતી. ટેન્કમાંથી ડીઝલ લીક થવાને કારણે ગણતરીની મિનિટોમાં આખા ટ્રકમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાવા લાગી હતી. સદનસીબે, અકસ્માત સર્જાતા જ ટ્રકમાં સવાર લોકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.













