ભાવનગર શહેરના આડોડીયા વાસ વિસ્તારમાં જૂની અદાવતને લીધે બે સમાજના લોકો વચ્ચે ભીષણ જૂથ અથડામણ સર્જાઈ છે. આડોડીયા વાસથી તિલકનગર જવાના રસ્તા પર બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં મામલો બિચકતા ઉગ્ર પથ્થરમારો શરૂ થયો હતો. આ હિંસક ધીંગાણાના લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં લોકો રસ્તા પર પથ્થરો ફેંકતા અને નાસભાગ કરતા નજરે પડી રહ્યા છે.


બે સમાજ ના લોકો વચ્ચે થયો પથ્થરમારો

પથ્થરમારાની આ ઘટનામાં ઉશ્કેરાયેલા ટોળાએ જાહેર માર્ગ પર પાર્ક કરેલી ગાડીઓના કાચ તેમજ આસપાસના મકાનોની બારીઓના કાચ પણ તોડી નાખ્યા હતા. તોડફોડ અને હિંસાને કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો અને સ્થાનિક રહીશોમાં ભય વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતા જ ભાવનગર પોલીસનો મસમોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે કડક હાથે કાર્યવાહી હાથ ધરી હતી.

હિંસક અથડામણ બાદ ચુસ્ત બંદોબસ્ત

હાલમાં આડોડીયા વાસ અને તિલકનગર વિસ્તારમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને બંને પક્ષોને શાંત પાડવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. પોલીસે વાયરલ વીડિયો અને સીસીટીવીના આધારે પથ્થરમારો કરનારા શખ્સોની ઓળખ કરવાની તજવીજ શરૂ કરી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ગુનેગારો સામે કડક કાયદાકીય પગલાં ભરવાની તૈયારી દર્શાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: