ભાવનગર શહેરમાં ટ્રાફિકથી ધમધમતા રાણીકા વિસ્તારમાં આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વિઠ્ઠલેશ્વર રોડ પર પૂરઝડપે આવી રહેલી એક ટ્રક અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે બાઈક સવાર ફંગોળાઈ ગયો હતો અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.


ઘટનાની વિગત

ઘટનાની મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના રાણીકા વિસ્તારના વિઠ્ઠલેશ્વર રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલકને ટ્રક દ્વારા અડફેટે લેવામાં આવ્યો હતો. આ અકસ્માત થતા જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

CCTV વીડિયો થયો વાયરલ

આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કઈ રીતે અચાનક બાઈક ચાલક ટ્રકની અડફેટે આવી જાય છે. આ દ્રશ્યો જોઈને કોઈ પણના કંપારી છૂટી જાય તેમ છે.

તાત્કાલિક સારવાર અને પોલીસ કાર્યવાહી

અકસ્માત બાદ સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચતા જ ઈજાગ્રસ્ત બાઈક સવારને તાત્કાલિક ધોરણે સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં ઈજાગ્રસ્તની હાલત અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ, હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા આ અકસ્માત અંગેની પ્રાથમિક નોંધ લેવામાં આવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે અને સ્થાનિકોની પૂછપરછ કરીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.


આ પણ વાંચો - Bhavnagar News : ભાવનગરમાં કાર-સ્કૂટર વચ્ચે અકસ્માતમાં 2 વૃદ્ધના ઘટના સ્થળે મોત



  • Follow us on: