ભાવનગર જિલ્લાના વરતેજમાં ઘરેલુ કંકાસનો એક અત્યંત કરૂણ અને ભયાનક અંત આવ્યો છે. એક પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા નિપજાવી અને તેને કુદરતી મોત (હાર્ટ એટેક) માં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વરતેજ હોસ્પિટલના સ્ટાફ અને પોલીસની સમયસૂચકતાને કારણે આ 'પરફેક્ટ મર્ડર'નો પ્લાન નિષ્ફળ રહ્યો છે અને સત્ય બહાર આવ્યું છે.


શું હતી સમગ્ર ઘટના?

વરતેજ ખાતે રહેતા અર્જુન કાળુભાઈ પરમારના લગ્ન અલ્પાબેન સાથે વર્ષ 2016માં પ્રેમલગ્નથી થયા હતા. લગ્ન બાદ દંપતીને બે દીકરાઓ પણ હતા. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી અર્જુનને અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો બંધાયા હતા. આ યુવતીને તે ઘરમાં રાખવા માંગતો હતો, જેનો અલ્પાબેન વિરોધ કરતા હતા. આ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. ગત તા. 19 માર્ચ 2026ના રોજ સવારે અર્જુને આવેશમાં આવી કોઈ વસ્તુ વડે અલ્પાબેનનું ગળું દબાવી તેમની હત્યા કરી નાખી હતી.

ષડયંત્રનો પર્દાફાશ

હત્યા કર્યા બાદ પાપી પતિએ અલ્પાબેનને હાર્ટ એટેક આવ્યો હોવાનું નાટક કરી હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે, હોસ્પિટલના તબીબોને મૃતદેહ પર ઈજાના નિશાન દેખાતા મામલો શંકાસ્પદ લાગ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પેનલ પીએમ કરાવ્યું હતું. ફોરેન્સિક રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે આ મોત કુદરતી નથી પણ ગળું દબાવવાને કારણે થયું છે.

પોલીસ કાર્યવાહી

ભાવનગર ગ્રામ્યના ASP ઘનશ્યામ ગૌતમના જણાવ્યા અનુસાર, પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થતા જ પોલીસે પતિ અર્જુન વિરુદ્ધ BNS ની કલમ 103(1) હેઠળ મર્ડરનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. પત્નીએ પિયર પક્ષ સાથેના સંબંધો તોડીને જે પતિ પર ભરોસો મૂક્યો હતો, તે જ પતિ આખરે તેનો કાળ સાબિત થયો છે.


આ પણ વાંચો---     Gandhinagar : અધિકારીઓ બેલગામ? ધારાસભ્યોને પણ નથી ગણતા! વિધાનસભાની કમિટીમાં કરી ફરિયાદ

  • Follow us on: