ભાવનગરના વરતેજ વિસ્તારમાં ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તન અને ધક્કામુક્કી કરવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે. આશ્ચર્યની વાત એ છે કે, વીડિયોમાં સ્પષ્ટપણે પોલીસ સાથે ઝપાઝપી દેખાતી હોવા છતાં, પોલીસે આરોપી સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે 'માફી' આપીને મામલો થાળે પાડ્યો છે.


વચ્ચે રસ્તે કાર મૂકી સર્જ્યો ટ્રાફિક જામ

ઘટનાની મળતી માહિતી અનુસાર, વરતેજની વ્યસ્ત એવી રંગોલી ચોકડી પાસે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસ ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી કરી રહી હતી, તે દરમિયાન એક કારચાલકે પોતાની કાર ટ્રાફિકની વચ્ચે ઊભી રાખી દીધી હતી. જ્યારે પોલીસ કર્મચારીએ તેને કાર હટાવવા કહ્યું, ત્યારે કારચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ સાથે દાદાગીરી શરૂ કરી હતી.

પોલીસ સાથે ધક્કામુક્કી અને ગેરવર્તન

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, કારચાલક રસ્તાની વચ્ચે પોલીસ કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી કરી રહ્યો છે અને તેમને ધક્કામુક્કી પણ કરી રહ્યો છે. જાહેરમાં પોલીસનો ખોફ રાખ્યા વગર આ શખ્સે કાયદાના રક્ષકો સામે જ રોફ જમાવ્યો હતો.

કાર્યવાહી કેમ નહીં?

આટલી ગંભીર ઘટના બાદ સામાન્ય રીતે ફરજમાં રુકાવટનો ગુનો નોંધાતો હોય છે, પરંતુ આ કિસ્સામાં ચિત્ર કંઈક અલગ જોવા મળ્યું. વરતેજ પોલીસના ઇન્ચાર્જ PSI દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ સાથે ગેરવર્તન કરનારા શખ્સોએ માફી માંગી લેતા તેમની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે હવે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, શું માત્ર માફી માંગી લેવાથી પોલીસ પર હુમલો કે ગેરવર્તન કરનારાઓને મુક્ત કરી શકાય?


આ પણ વાંચો - Bhavnagar : પાલીતાણામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ, જાહેરમાં કચરો પણ નહીં ફેંકી શકાય


  • Follow us on: